શ્રી દ્વારકાધીશજીની ધ્વજાનું સ્વરૂપ અને પૂજનવિધિ
શ્રી દ્વારકાધીશજીની ધ્વજાનું માપ| શ્રી દ્વારકાધીશજીની ધ્વજાનું મહત્વ
શ્રી દ્વારકાધીશજીની ધ્વજાના કપડામાં વર્ણ-રંગની પસંદગી | દવજા ચઢાવવા માટે સમ્પર્ક
શ્રી દ્વારકાધીશજીની ધ્વજાનું સ્વરૂપ અલૌકિક છે. તે પોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. (૧) આધિભૌતિક (૨) આધ્યાત્મિક (૩) આધિદૈવિક
(૧) આધિભૌતિક:
આધિ એટલે આવાસ (સ્થાન) અને ભૌતિક એટલે પંચત્તત્વ (કાપડ)માંથી, આ ધ્વજા બનેલી છે, તેમાં ૫૨ (બાવન)ગજ કાપડ વાપરવામાં આવે છે, જેમાં પ્રત્યેક ગજનું સ્વતંત્ર અસ્તિત્વ બતાવવા ધ્વજાની ફરતી કિનારી પર બાવન નાના પતાકાઓ જોડવામાં આવે છે. જે શ્રી દ્વારકાધીશના મહેલમાં પ્રવેશવાનાં સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વારના પ્રતિકરૂપ પણ છે, હાલ છપ્પનસીડી તરફનું દ્વાર, સ્વર્ગદ્વાર અને ભગવાન દ્વારકાધીશની નગરીમાં પ્રવેશવાનું દ્વાર, મોક્ષદ્વાર તરીકે જાણીતું છે. આ રીતે શ્રી દ્વારકાધીશજીની ધ્વજા, દ્વારકાના પ્રવેશદ્વાર અને યાદવોના આવાસ બન્નેનું એકત્રિત આધિભૌતિક સ્વરૂપ છે.
(૨) આધ્યાત્મિક:
આ શબ્દ અતિશય માનવાચક અને પવિત્ર છે. ધ્વજાનું નામ સાંભળતાં જ પ્રત્યેક માનવના મનમાં પૂજ્યભાવ અને આદરભાવ ઉત્પન્ન થાય છે. ધ્વજાનું બીજું નામ ઝંડો છે. જેવી રીતે ભારતનો રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રીય પ્રતિક છે અને ભારતનો નાનામાં નાનો માનવી તેનો માન-મોભો જાળવે છે, તેને પોતાની ફરજ અને કર્તવ્ય માને છે, તેનું અપમાન દેશનું અપમાન ગણે છે અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર શિક્ષાને પાત્ર થાય છે, આ જ પ્રમાણે ધ્વજાની બાબતમાં પણ માન-સન્માનનું મહત્વ છે. તેથી ધ્વજાના આધ્યાત્મિક સ્વરૂપને માનથી અને પુજ્યભાવથી જોઈ, લોકો તેનો આદર સત્કાર કરી તેને માનપૂર્વક મસ્તક પર ધારણ કરે છે અને નમસ્કાર કરે છે.
(૩) આધિદૈવિક સ્વરૂપ:
જે રીતે ભારતનો કેસરી, સફેદ અને લીલો અશોકચક્ર યુક્ત ધ્વજ દૈવિક સ્વરૂપને સમજાવે છે તે રીતે બાવન ગજની શ્રી દ્વારકાધીશજીની ધ્વજા દૈવિક સ્વરૂપ સમજાવે છે. જ્યાં સુધી ધ્વજાનું કાપડ દુકાનદારને ત્યાં હોય છે ત્યાં સુધી તે કાપડ છે. પરંતુ તે કાપડ જ્યારે યથાયોગ્ય સ્વરૂપે સિવાઈ જાય છે ત્યારે તે શ્રી દ્વારકાધીશની ધ્વજા દૈવિક સ્વરૂપ ધારણ કરે છે. આ ધ્વજામાં શ્રી દ્વારકાધીશના સ્વરૂપનો વાસ થઈ જાય છે. શ્રી દ્વારકાધીશજીની દૈવિક સ્વરૂપવાળી ધ્વજા ભક્તના આવાસે જ્યાં સુધી હોય ત્યાં સુધી દૈવી સ્વરુપે તેમના ઘરે શ્રીદ્વારકાધીશ વાસ કરે છે અને તેમના આવાસ અને પરિવારને પવિત્ર બનાવે છે.
વિવિધ સ્વરૂપવાળી શ્રી દ્વારકાધીશની ધ્વજા શિખર ઉપર ચઢાવવાનો ભક્તજન સંકલ્પ કરે છે ત્યારે તે પોતાના સગાં સંબંધી મિત્રો વગેરેને આદર સત્કારપૂર્વક નિમંત્રણ આપે છે. ત્યાર પછી આ બધા સગા સંબંધીઓ સાથે વાજતે ગાજતે ધ્વજાને મસ્તક ઉપર પોતે અને સર્વે સંબંધીઓના મસ્તક પર ધારણ કરાવી, ‘જય રણછોઙ.. રાજા રણછોડ‘, ‘ગોપાલ-કૃષ્ણ... રાધે કૃષ્ણ...‘ ના જયઘોષ સાથે શ્રી દ્વારકાધીશના મંદિરે પહોંચવાનું હોય છે અને ત્યાં મંદિરે ભગવાન શ્રી દ્વારકાધીશના સાનિધ્યમાં તે ધ્વજાની બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાનપૂર્વક મંત્રોચ્ચાર સાથે પૂજન-વિધિ કરાવવાની હોય છે.
ધાર્મિક પૂજનવિધિ:
ધ્વજાની ધાર્મિક પૂજનવિધિ વખતે ઉપસ્થિત રહેલ વ્યક્તિઓને સૌ પ્રથમ બ્રાહ્મણો દ્વારા ‘સ્વસ્તિના ઇન્દ્રો....‘ મંત્રના ઉચ્ચાર દ્વારા કંકુ- ચોખા વડે તેઓના મસ્તકમાં રહેલી બુધ્ધિને સ્થિર અને પવિત્ર બનાવવા માટે તિલક કરવામાં આવે છે, જેનાથી ઉપસ્થિત વ્યક્તિઓ પોતાને ધન્ય અને પવિત્ર માને છે ત્યાર પછી શ્રી દ્વારકાધીશ-સ્વરુપે બિરાજેલ ધ્વજાનું મંત્રોચ્ચાર વડે યજમાનને પૂજન કરાવવાનું હોય છે, જેમાં સૌ પ્રથમ વિધ્નહર્તા ‘વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ...‘ ઈત્યાદી મંત્રો વડેશ્રી ગણપતિજીનું પૂજન કરાવાય છે. ત્યારબાદ પવિત્ર એવા, સર્વ-તીર્થસ્વરૂપ એવા જલયુક્ત કલશનું પૂજન કરી અભિમંત્રિત કરવામાં આવે છે. પછી ગંધ-પુષ્પ દ્વારા વિવિધ દેવોનું સ્મરણ અને પ્રાર્થના કરવામાં આવે છે. તત્પશ્ચાત ગુરુપૂજન, કુળદેવી- પૂજન થાય છે. આ રીતે સર્વ દેવોના પૂજન બાદ ધ્વજામાં રહેલા શ્રી દ્વારકાધીશના ધ્યાન, આહવાન આદિ ષોડશોપચારથી મંત્રોના જ્ઞાત બ્રાહ્મણો ધ્વજાજીનું પૂજન કરાવે છે. પૂજા સમાપ્ત થયે પૂજા કરાવનાર બ્રાહ્મણનો યથાયોગ્ય રીતે સત્કાર કરવાનો હોય છે. આ રીતે પૂજન કરાયેલી ધ્વજાને શ્રી દ્વારકાધીશનાં ચરણોમાં શ્રધ્ધા ભક્તિપૂર્વક ભેટ સહિત અર્પણ કરી, અતિશય પવિત્ર બનાવી, ધ્વજા ચઢાવનાર બ્રાહ્મણને આપવાની હોય છે, જે બ્રાહ્મણ શિખર ઉપર ચઢી આ શ્રી દ્વારકાધીશજીની ધ્વજાને આકાશમાં લહેરાવે છે અને બલિદાન સ્વરુપે શ્રીફળને શિખર ઉપરથી જમીન ઉપર ફેંકી ધ્વજાની વિધિ પરિપૂર્ણ કરવામાં આવે છે.
Top
શ્રી દ્વારકાધીશજીની ધ્વજાનું માપ
દ્વારકાની યાત્રાએ આવતા ભાવિકો ગોમતી ગંગામાં સ્નાન-દાન કરી છપ્પન સીડી ચઢી, સ્વર્ગદ્વારમાં પ્રવેશ કરી, શ્રી દ્વારકાધીશજીનાં દર્શન કરી, શ્રી દ્વારકાધીશજીનાં શિખર અને ધ્વજાજી તરફ દ્રષ્ટિપાત કરી, અનેક પ્રકારના વિચારોમાં ડુબી જાય છે. તેઓના મનમાં પ્રશ્ન ઉઠે છે અને આ છપ્પન સીડી, સ્વર્ગ દ્વાર, શ્રીજીનું સ્વરૂપ, શિખર અને તેના ઉપર લહેરાતી બાવન ગજની ધ્વજાજી જોઈ અનેક પ્રકારની જીજ્ઞાસાઓ અનુભવાય છે.
સમુદ્રએ શ્રીકૃષ્ણની દ્વારકાને ડુબાડી દીધી, પરંતુ શ્રીજીના નિવાસસ્થાનને ડુબાડી શકયો નથી. આ નિવાસસ્થાન તે શ્રીજીનું મંદિર. હાલના શ્રીકૃષ્ણના દ્વારકાનાં બધા સંસ્થાનકો શ્રી કૃષ્ણકાલીન દ્વારકાના ઈતિહાસને ઉદઘાટીત કરે છે. તેમાં શ્રી દ્વારકાધીશજીની ધ્વજાનું માપ પણ ઐતિહાસિક હકીકત આધુનિક સમાજને દર્શાવે છે. શ્રીજીની ધ્વજાનું માપ બાવન ગજનું શા માટે ? તે વિષયમાં જણાવવાનું કે ;-
શ્રીકૃષ્ણકાલીન દ્વારકાનું શાસન ૫૬ (છપ્પન) કોટિ યાદવો કરતા હતા. અહીં કોટિ એટલે પ્રકાર,વિભાગ. યાદવો દ્વારકાનું શાસન કરતા હતાં તેમાં સંકર્ષણ (બલરામ), શ્રી કૃષ્ણ, પ્રદ્યુમન અને અનિરુધ્ધજી આ ચાર સ્વરુપો ઈશ્વરના છે, જેને ચાતુર્વ્યુહ કહેવામાં આવે છે. જેનાં મંદિરના દર્શન આજે યાત્રિકો કરે છે અને દરેકના શિખરો ઉપર ધ્વજાજી ફરકી રહી છે. આ ચાર વ્યૂહ મનુષ્ય જીવનના ચતુર્વિધિ પુરુષાર્થ- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિધ્ધ કરનાર છે. છપ્પન પ્રકારના યાદવોમાંથી આ ચારને બાદ કરતાં બાવન યાદવોના નિવાસસ્થાનને ઉદઘાટિત કરે છે. જે નિવાસસ્થાનો શ્રીકૃષ્ણકાલીન દ્વારકા વખતે હતાં, તે આજે સમયાનુસાર વિદ્યમાન નથી. પરંતુ તેઓના સંસ્મરણરુપે એક એક યાદવના નિવાસસ્થાનને દર્શાવનારી એક એક ગજની ધ્વજા મળીને બાવન ગજ થતાં તે બાવને બાવન ધ્વજાનું એક સ્વરૂપ એટલે શ્રીજીની બાવન ગજની ધ્વજા છે.
Top
શ્રી દ્વારકાધીશજીની ધ્વજાનું મહત્વ
માનવીઓને મન ધ્વજાનું ઘણું મહત્વ હોય છે અને તેમનું સન્માન પણ અતિ મહત્વનું છે. ધ્વજાના નામ પણ ઘણા છે. જેમકે, ધ્વજા, ઝંડો, કેતુ, વાવટો વગેરે. ધ્વજાનો ઉપયોગ ધાર્મિક સ્થાનોમાં, એટલે કે દેવમંદિરોમાં ચઢાવવામાં આવે છે. ઝંડો કે ધ્વજ તે રાજકીય અને સામાજીક સ્થાનોમાં લહેરાય છે. કેતુ વાહનોમાં એટલે કે રથ ઈત્યાદીમાં લગાવાય છે. વાવટાઓનો ઉપયોગ કોઈ સંકેત આપવામાં અને સુશોભિન કરવામાં થાય છે. ધ્વજા ધાર્મિક, પવિત્ર અને પૂજનીય વસ્તુ છે. ઝંડો કોઈ રાષ્ટ્ર, રાજ્ય કે સંસ્થાની ઓળખ રુપે સન્માનનીય ચિહન છે. દરેક રાષ્ટ્રને ઓળખવા માટે સ્વતંત્ર ઓળખચિહન રૂપે સમજવામાં આવે છે. જેમકે, ભારતનો રાષ્ટ્રધ્વજ અશોક ચક્રવાળો ત્રિરંગો. આ રીતે ધ્વજાએ દેશનું કે મંદિરનું ઓળખરૂપ સાંકેતિક ચિહન છે.
શ્રી દ્વારકાધીશજીની ધ્વજાનો મહિમા અનેક પ્રકારના કાર્યોને સૂચવે છે. ભક્તજન શ્રીજીની ધ્વજા ચઢાવવામાં શા માટે ઉત્સુક છે તેના કારણરુપમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીની ધ્વજા છે. દ્વારકાનો સમાવેશ ભારતની મોક્ષદાયિની સાત પુરીઓમાં થયેલ છે. દ્વારકાનો મહિમા મોક્ષ એટલે કે, મુક્તિ જે માનવીના જન્મના કર્મબંધનમાંથી છોડાવી તેઓનું સર્વરીતે કલ્યાણ કરનાર છે. એટલે કે તે હરિ-વિષ્ણુ-પુરુષોત્તમ લોકોના હિતને જોવા માટે દ્વારકામાં નિવાસ કરે છે અને ઐહિક અને પરલૌકિક કર્મનાં બંધનને છોડાવી તેઓનું સર્વ રીતે કલ્યાણ કરે છે. આ ઉપરાંત શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે.

એટલે કે – અનન્ય મનથી મારું ચિંતન કરે છે કે શરણે આવે છે તેવા લોકોના યોગ – અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ થયેલ વસ્તુના રક્ષણનો ભાર હું ઉપાડું છું.
શ્રી દ્વારકાધીશજીની ધ્વજાના કપડામાં વર્ણ-રંગની પસંદગી
ભાવાર્થ : મેઘ સમાન શ્યામ રંગવાળા, પીળાં રેશમી પીતાંબર ધારણ કરેલા, શ્રીવત્સના ચિહનવાળા, કૌસ્તુભમણીથી શોભિત અંગવાળા,, પુણ્ય કરનારા, કમલ સમાન લાંબી આંખ વાળા, સર્વલોકના એકમાત્ર સ્વામી ભગવાન શ્રીકૃષ્ણને હું નમસ્કાર કરું છું. ભગવાન શ્રી દ્વારકાધીશજીનું શ્રીઅંગ મેઘ સમાન શ્યામરંગી હોવાથી, મેઘધનુષ સમાન પ્રકાશમાન હોઈ, શ્રીજીની ધ્વજાનો વર્ણ મેઘધનુષની જેમ સપ્તરંગી છે. આ સાતેય વર્ણ- રંગ શુભસૂચક અને વિશિષ્ટ ગુણો ધરાવે છે. તે સાત રંગ લાલ, લીલો, પીળો, નીલો, સફેદ, કેસરી અને ગુલાબી છે.
(૧) લાલ રંગ :
લાલ રંગનો ઉપયોગ માંગલિક પ્રસંગોમાં પ્રમુખસ્થાન ધરાવે છે. લાલ રંગ બળ, ઉત્સાહ, સ્ફૂર્તિ, પરાક્રમ, હર્ષ, ધન-ધાન્ય, વિપુલસંપત્તિ, સમૃધ્ધિ અને લાભ-શુભને પ્રગટ કરનાર છે. ધ્વજા ચઢાવનાર યજમાન માટે આ રંગ પ્રેરણાસ્ત્રોત બને છે, પરિવર્તન લાવે છે અને તેમને ભગવાનમાં લાલ રંગે રંગાઈ જવાની પ્રેરણા આપે છે.
(ર) લીલો રંગ :
લીલો રંગ આધ્યાત્મિક પ્રેરણા વાતાવરણનું પ્રતિક છે. લીલો રંગ સમગ્ર પ્રકૃતિમાં વ્યાપી છે. લીલો રંગ છોડ-વૃક્ષ, ખેતર, પર્વતીય પ્રદેશને આચ્છાદિત કરનાર મધુર રંગ છે. તે માનવ મનને શાંતિ અને દષ્ટિને શીતળતા આપનાર છે. વળી, મનુષ્યને સુખ, શાંતિ અને સ્ફૂર્તિ આપનાર તથા આંખની જ્યોતિને વધારનાર છે. લીલો રંગ માનવ મનમાં રહેલ ઉદ્યોગશીલતાને પ્રગટ કરે છે. તેનાથી માનવી પરિશ્રમી, સ્ફૂર્તિલા, આત્મગૌરવી, તેજ, બળ અને આત્મવિશ્વાસવાળા બને છે.
(૩) પીળો રંગ :
પીળો રંગ જ્ઞાન, વિદ્યા અને વિવેકનું પ્રતિક છે. પીળો રંગ સુખ, શાંતિ, અધ્યયન, વિદ્વતા, યોગ્યતા, એકાગ્રતા અને માનસિક-બૌધ્ધિક ઉન્નતિનું પ્રતિક પણ છે. પીળો રંગ વસંતી રંગ છે, જે મસ્તક ને પ્રફુલ્લિત અને ઉત્તેજિત કરે છે, જ્ઞાન તરફ મનને પ્રવૃત કરે છે અને નવા-નવા વિચારો મનમાં ઉત્પન્ન કરે છે. ભગવાન વિષ્ણુનું પીળું પીતામ્બર તેમના અસીમ જ્ઞાનને દર્શાવે છે. શ્રી ગણપતિજી પણ પીળું પીતામ્બર પહેરે છે.
(૪) નીલો રંગ : (બ્લુ રંગ)
નીલો રંગ બળ નું પ્રતિક છે. સૃષ્ટિકર્તાએ વિશ્વમાં નીલ રંગને સર્વાધિક રાખેલ છે. આપણા ઉપર નીલ રંગનું આકાશ, નીચે નીલ રંગની નદીઓ વહે છે, જેને અતિશય પવિત્ર માનવામાં આવે છે અને જેમાં ભગવાનનો વાસ રહેલો છે. નીલરંગી સમુદ્રમાં ભગવાન વિષ્ણુ-લક્ષ્મી શયન કરે છે અને ગંગા-યમુના જેવી નીલરંગી નદીઓ છે. તેમાં માનવ સ્નાન કરી પવિત્ર બને છે.
(૫) સફેદ રંગ :
સફેદ રંગ પવિત્રતા, શુદ્ધતા, વિદ્યા અને શાંતિનું પ્રતિક છે. સફેદ રંગ બધા ગુણોવાળા સાત રંગોના મિશ્રણથી બને છે. સફેદ રંગ માનસિક, બૌદ્ધિક અને નૈતિક સ્વચ્છતા પ્રગટ કરે છે. વિદ્યા આપણને બધા પ્રકારની પવિત્રતા આપે છે. સફેદ રંગ માનવને દુર્ગુણો આચરતા અટકાવે છે, માનવને વિવેક આપી સાંસારીક સંકુચિતતાથી દૂર રાખે છે. તેથી જ તો વિદ્યાની દેવી સરસ્વતી સફેદ વસ્ત્ર ધારણ કરે છે. ધ્વજામાં રહેલો સફેદ રંગ માનવને ભગવાનની પ્રાપ્તિ કરાવી, જીવનનમાં શુદ્ધતા અને પવિત્રતા લાવે છે.
(૬)કેસરી રંગ :
કેસરી રંગ શૂરવીરતા, સાહસિકતા, નીડરતા, પ્રગતિશીલતા, પૌરુષત્વનું પ્રતિક છે. કેસરી રંગ પર માનવીની દષ્ટિ પડતાં જ તેનામાં આ બધા ભાવો સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થઈ જાય છે. સમાજમાં અનીતિ, અત્યાચાર, પાપાચાર, અધર્મ વગેરે જોવામાં આવે છે ત્યારે કેસરી રંગના ગુણોવાળા માનવો આ બધી પરિસ્થિતિનો સામનો એકલા હાથે કરે છે, ત્યારે તેની પ્રવૃત્તિને સમાજ ‘કેસરીયાં કર્યા’ એમ કહે છે. આવા ગુણો ધરાવનાર ભક્તો કેસરી રંગની ધ્વજા પસંદ કરે છે.
(૭) ગુલાબી રંગ :
ગુલાબી રંગ મનુષ્યના સ્વભાવને ગુલાબી-પ્રફુલ્લિત બનાવે છે. ગુલાબનું ફૂલ અતિ આકર્ષક અને કોમળ હોય છે. ગુલાબી રંગ આંખને ગમે તેવો હોવાથી તે રંગનું કપડું પસંદ કરવામાં આવે છે. ગુલાબની સાથે કાંટા પણ હોય છે જે મનુષ્યને પ્રેરણા આપે છે કે મનુષ્યે પોતાનું જીવન ગુલાબની જેમ કોમળ અને સમય આવ્યે કાંટા સમાન કઠોર પણ બનાવવું જોઈએ.
આ રીતે આ બધા રંગો પોતાના વિશિષ્ટ ગુણો ધરાવતા હોઈ, આ રંગોના કાપડની ધ્વજા બને છે અને ધ્વજા ચઢાવનારે કાપડના રંગોની પસંદગી કરવાની હોય છે.
Top
દવજા ચઢાવવા માટે સમ્પર્કS
505 સમ્સ્ત ગુગલી જ્ઞાતિ
દેવી ભુવન રોડ
દ્વારકા : 361335
ફોન : +91-2892- 234105
Top